પ્રોજેક્ટ પદ્ધતિ II પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતો
પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતો
પ્રોજેક્ટ પદ્ધતિના પાયાના સિદ્ધાંતો નીચે પ્રમાણે તારવી શકાય :
૧. હેતુનો સિદ્ધાંત:
બાળક જે પ્રવૃતિ કરે તે હેતુપૂર્ણ હોવી જોઈએ. તે ઉપરાંત તે મહત્ત્વની અને રુચિકર હોવી જરૂરી ગણાય. જેમાં જીવન અધ્યયન સાથે જોડાય છે. હેતુનું જ્ઞાન બાળક માટે પ્રેરણાદાયી અને ઉત્તેજક બની રહે છે. તે હેતુની સિદ્ધિ માટે બાળકને પ્રેરણા આપે છે. આમ રૂચી અને આનંદ બેવડાય છે.
૨. ક્રિયાશીલતાનો સિદ્ધાંત:
બાળક સ્વભાવે જ ક્રિયાશીલ છે. પ્રવૃત્તિ એ એનો સ્વભાવ. એને એ ગમે છે. હેતુના જ્ઞાન અને કાર્ય પરત્વે રૂચી એ પર્યાપ્ત નથી. બાળક સ્વયં પ્રવૃત્તિ કરે અને ક્રિયાશીલ રહે એવી તકો તેને આપવી જ જોઈએ. બાળક જે કંઈ શીખે તે પ્રવૃત્તિ દ્વ્રારા શીખે અને તે પ્રવૃત્તિમાં પોતાની બુદ્ધિ, વિચારશક્તિ, તર્કશક્તિ વાપરે એ પ્રોજેક્ટ પદ્ધતિની વિશેષતા.
3.વાસ્તવિકતાનો સિદ્ધાંત:
જીવન સ્વત: એક વિશાલ પ્રોજેકટ છે. બાળકે વાસ્તવિક જીવનની દુનિયામાં રહેવાનું છે. શિક્ષણ એ જીવન જીવવાની તૈયારી માટે હોય તો બાળકે તે ઉત્તમ રીતે જીવવું જોઈએ અને અનુભવો પ્રાપ્ત કરવા જોઈએ. પ્રોજેક્ટ પદ્ધતિ શાળામાં વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે.
૪. સ્વતંત્રતાનો સિદ્ધાંત:
પ્રબળ ઇચ્છાથી પ્રેરણા પામેલી પ્રવૃત્તિઓના પરિપાક રૂપે જ સીધા, પ્રત્યક્ષ અનુભવો શક્ય બને. ઈચ્છાની વિશેષતા એ છે કે તે સ્વયંસ્ફુરીત હોવી જોઈએ, શિક્ષણ લાડવાની નહિ. બાળકના પોતાના હેતુ અને જરૂરિયાતમાંથી એ ઊગે છે, કોઈ લાદણ નહિ, અવરોધ નહિ, બંધન નહિ. આવી પરિસ્થિતિમાં જ વાસ્તવિકતા અનુભવો મળે.
૫. અનુભવનો સિદ્ધાંત:
જે વાસ્તવિક હોય તેનો અનુભવ થવો જ જોઈએ. બાળકનું જ્ઞાન વિકસે એ અનુભવથી. અનુભવ એ જ શિક્ષણ. અનુભવ એ મોટો શિક્ષક . અનુભવ એ પ્રવૃત્તિની આડનિપજ છે.
6. ઉપયોગિતાનો સિદ્ધાંત:
બાળક જે જ્ઞાન પ્રાપ્ત કરે તે ઉપયોગી અને વ્યવહારિક હોવું જોઈએ, ઔપચારિક અને શાબ્દિક જ્ઞાનનું કઈ મહત્વ નથી. પ્રોજેક્ટ પદ્ધતિએ મેળવેલું જ્ઞાન વ્યાવહારીક ઉપયોગિતા આપે છે.અલ્પ વ્યય સાથે પરિણામો મેળવી શકાય છે. જે વસ્તુ બાળકને ઉપયોગી અને પોતાની જરૂરિયાતોને પોષિત લાગે છે.-જીવન સાથે બંધબેસતી લાગે છે.તેનું જ્ઞાન મેળવા બાળક તત્પર બને છે.તેથી બાળક ને તે જ પ્રવુતિ કરવાની પ્રેરણા મળે છે. જેથી તે તેમાં જ રુચિ દર્શાવે છે.